માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧૦મી ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે માનવ અધિકાર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ, સંવેદનશીલતા અને બંધારણીય મૂલ્યો અંગે સમજ વિકસે તે હેતુથી વિવિધ શૈક્ષણિક તથા સર્જનાત્મક સ્પર્ધાઓ જેવીકે પોસ્ટર મેકિંગ, ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોતરી સ્પર્ધા વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન અંતર્ગત તા. ૧૦મી ડિસેમ્બરના રોજ વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ માનવ અધિકારો, સામાજિક ન્યાય, બંધારણીય મૂલ્યો તથા સમકાલીન માનવ અધિકાર સંબંધિત વિવિધ વિષયો પર અસરકારક અને અભ્યાસપૂર્ણ વક્તવ્યો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં કાયદા વિદ્યાશાખાના ડીનશ્રી ડૉ. મયુરસિંહ જે. જાડેજા, માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા અને ભવનના અન્ય અધ્યાપકો, આમંત્રિત નિર્ણાયકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના વક્તૃત્વ કૌશલ્ય, વિષયની ઊંડી સમજ અને માનવ અધિકારો પ્રત્યેની જાગૃતિની પ્રશંસા કરી હતી.
આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થવાની સાથે માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બને છે. માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને જાગૃતિમૂલક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.